+91-8156078064
+91-8469327630
SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

GERD/ એસિડ રિફ્લક્સ/ હાર્ટબર્ન: આહાર અને જીવનશૈલી

એસિડ રિફ્લક્સ (GERD- ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ) એ આજના જમાનામાં સમાજમાં જોવા મળતી સામાન્ય શારીરિક સમસ્યાઓમાંની એક સમસ્યા છે. આ સમસ્યા જીવલેણ ન હોવા છતાં, આ સમસ્યા GERDથી પીડાતી વ્યક્તિના પોતાના માટે તથા સમાજ માટે ભારરૂપ છે. દર્દીને દવા કે સર્જરીની જરૂર હોવા છતાં આરોગ્યપ્રદ જીવનશૈલી તથા આહાર સારવારને અસરકારક બનાવવા માટે ખુબ જરૂરી છે.

GERD/ એસિડ રિફ્લક્સ: અનુચિત જીવનશૈલીને કારણે ઉદ્દભવેલી સમસ્યા

 

GERD અનુચિત જીવનશૈલીનો રોગ  

આજની તનાવપૂર્ણ અને ભાગદોડ ભરેલી જિંદગીએ આપણા ઉપર એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાનો ભાર ખુબ વધારી દીધો છે. આમ, એસિડરીફ્લક્સએ  જીવનશૈલી સાથે સંકળાયેલ સમસ્યા છે. આથી જ જીવનશૈલીના અને સાચા આહારના ફેરફાર, માત્ર એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નની સમસ્યામાં સુધારા માટે જરૂરી  નથી, તે GERD ની સમસ્યાને ટાળવા માટે પણ જરૂરી છે.

યાંત્રિક સમસ્યાઓ જેવીકે  હાયટ્સ  હર્નિયા તથા આપના સ્નાયુઓનું નબળા હોવાનું વલણ એ એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ માટે જવાબદાર પરિબળો  હોય છે. પરંતુ સમાજમાં એસિડ રિફ્લક્સ(GERD)ના વધતા જતા દર્દીઓ પાછળ, બદલાતી જીવનશૈલી તે મુખ્ય કારણ છે. ઉપર્યુક્ત પરિબળો GERD ઉત્પ્ન્ન કરતાં હોવા છતાં, આરોગ્યપ્રદ જીવનશૈલી અને આહાર, એસિડ રિફ્લક્સની સમસ્યાને ટાળી શકે છે અને તેની તીવ્રતાને પણ ઘટાડી શકે છે.

જમવાના સમયની અનિયમિતતા, અપૂરતી ઊંઘ, જમતાં જમતાં કામ કરવાની આદત, કામના લાંબા લિસ્ટને પહોંચી વળવાના ઇરાદાથી ગમે તે ફાસ્ટફૂડ ખાઈ લેવું વગેરે આજની જીવનશૈલીના ભાગ બની ગયા છે. જે GERD જેવી સમસ્યા માટે જવાબદાર છે. પ્રોસેસ્ડ ફૂડ, સુગર,ચોકલેટ, ફેક્ટરીમાં બનાવેલો પ્રોસેસ્સડ ખોરાક, કાર્બોનેટેડ ડ્રિંક્સ આ દરેક સમાન રીતે GERD માટે દોષી છે જેની ઉપેક્ષા ન કરો. આલ્કોહોલ અને ધૂર્મપાનની વધતી જતી સામાજિક સ્વીકૃતિ અને વધતા જતા સામાજિક મેળાવડાઓ પણ આમાં થોડો ભાગ ભજવે  છે.

એસિડ રિફ્લક્સ કે GERD(હાર્ટબર્ન)થી પીડાતા દર્દીઓ માટે જીવનશૈલીમાં ફેરફાર

 ધૂર્મપાન કે કોઈપણ રીતે તમાકુ તથા આલ્કોહોલનું સેવન બંધ કરો.

GERD સારવાર: ધૂર્મપાન તથા આલ્કોહોલ બંધ કરો

ધૂર્મપાન અને આલ્કોહોલ ઘણા બધા કારણોસર હાર્ટબર્ન કરે છે. સૌપ્રથમ તો આલ્કોહોલ, તમાકુ અને તેનો ધુમાડો, અન્નનળી અને જઠરની દિવાલના અંદરના સ્તરને નુકસાન પહોંચાડે છે. જે અલ્સરમાં પરિણમે છે. બીજું કે તેઓ જઠરની દીવાલમાંથી એસિડનો સ્ત્રાવ વધારે છે. ત્રીજું કે તેઓ અન્નનળીના નીચેના છેડે આવેલા વાલ્વ(LES)ને નબળો બનાવે છે. જેથી ખોરાક જઠરમાંથી અન્નનળીમાં પાછો જાય છે. અને ત્યાં નુકસાન પહોંચાડી અલ્સરમાં પરિણમે છે.

આથી જ જો તમે હાર્ટબર્ન એટલે કે એસિડ રિફ્લક્સ કે GERDથી પીડાતા હોવ અને તમને ધૂર્મપાન કરવાની કે આલ્કોહોલ લેવાની ટેવ હોય, તો સૌપ્રથમ તમારે તે બંધ કરવું જોઈએ. તો જ આપણે આ સમસ્યામાંથી કાયમી રાહત મેળવી શકીએ.

પૂરતી ઊંઘ લો

સારી ઊંઘ : હાર્ટબર્નની સારવારનો મહત્વનો ભાગ

આપના શરીર અને મનની સારી કાર્યશીલતા માટે પૂરતી ઊંઘ લો. અપૂરતી  ઊંઘ અથવા ગુણવત્તા વગરની ઊંઘ તમારા પાચનતંત્રને, મેટાબોલિઝ્મને, રોગપ્રતિકારક શક્તિને તથા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આ રીતે તે તમારા આરોગ્યને દરેક રીતે અસર કરે છે. તે હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સમાં  પરિણમી શકે છે. તે પેટમાં ચૂંક(આંકડી), ગેસ, કબજિયાત કે પેટમાં ગડબડ જેવી પાચનતંત્રના કાર્યને લગતી સમસ્યાઓમાં પરિણમી શકે છે. આ બધી સામાન્ય લાગતી પાચન સંબધિત સમસ્યાઓ, મોટી બીમારી ન હોવા છતાં તે આપણા જીવનની ગુણવતાને અસર કરે છે  અને તેમની સારવાર અઘરી છે.

Related Posts

જો તમે મેદસ્વી હોવ કે વધારે વજન ધરાવતા હોવ તો વજન ઓછું કરો

વજનનો ઘટાડો : જો તમે મેદસ્વી હોવ તો, GERDની સારવારનો મહત્વનું પાસું

વધારે પડતું વજન તમારા જઠર ઉપર દબાણ કરી જઠરમાંના એસિડને અન્નનળી બાજુ ધકેલે છે. આથી જ જેઓ વધારે પડતું વજન ધરાવતા હોય તેમણે મોટાભાગે લાંબા સમય સુધી GERD માટે દવા લેવી પડે છે. તેઓને મોટેભાગે દવાથી આશિંક રાહત જ થાય છે. એસિડ રિફ્લક્સને લીધે તેઓનું જીવન નિમ્નસ્તરનું હોય છે. મેદસ્વીતા અને તીવ્ર GERDની સમસ્યા મોટેભાગે શ્વાસને લગતી સમસ્યામાં પરિણમે છે.

આથી જો તમારું વજન સામાન્ય હોય તો તેને જાળવી  રાખો. જો તમે ઓવરવેઇટ કે મેદસ્વી  હોવ તો ધીરે ધીરે વજન ઉતારવાનું શરૂ કરો. એક અઠવાડિયામાં 1 થી 2 પાઉન્ડ (0.5 થી 1 કી.ગ્રા.)થી વધુ નહીં. વજન ઉતારવાની કઈ પદ્ધતિ તમારા માટે સારું પરિણામ આપી શકે તે બાબતે તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો. તમારે ખાસ તો એ સમજવાની જરૂર છે કે વજન ઘટાડવું એ એસિડ રીફ્લક્સની સારવારનો મહત્વનો ભાગ છે.

શારીરિક પ્રવૃત્તિઓને તમારી જીવનશૈલીમાં અપનાવો

શારીરિક પ્રવૃતિઓ : સ્વસ્થ જીવનશૈલીનું એક મહત્વનું પાસું

નિયમિત શારીરિક પ્રવૃત્તિ સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ છે. સંપૂર્ણપણે તંદુરસ્ત રહેવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એમ બન્ને ખુબ જરૂરી છે. માત્ર વજન ઉતારવા જ નહીં, પરંતુ તે આપના શરીરના મેટાબોલિઝ્મને પણ સ્વસ્થ રાખે છે. ચિંતા અને તણાવ કે જે GERD, કબજિયાત અને IBS જેવી સમસ્યાનું મુખ્ય કારણ છે તેને ઘટાડવામાં મદદ કરે છે.

ભારેખમ જીમની કસરતો કે મેરેથોન જેવી દોડ દરવખતે જરૂરી નથી. માત્ર અડધાથી એક કલાકનું ચાલવાનું  કે સાયકલિંગ કે સ્વિમિંગ કે તમને ગમતી કોઈ પણ રમત  પૂરતી છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું  છે, કે તમે આ સમયે તમારા રોજબરોજના કાર્યની ચિંતાથી અને રોજબરોજ ઉદ્દભવતી સમસ્યાઓના વિચારોથી મુક્ત હોવ.

તમારી જાતને તણાવમુક્ત રાખો – ધ્યાન

પોતાને તનાવમુક્ત કરો : GERD/હાર્ટબર્ન

વધતી ચિંતા કે તણાવ, જઠરમાં એસિડનો સ્ત્રાવ વધારે છે. જે આગળ જતા એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન કરે છે. ગેસ, પેટમાં ચૂંક આવવી કે ઓડકાર જેવી સમસ્યા ચિંતા અને તણાવના સમયે વધી જાય છે. હું અહીં ડિપ્રેશન કે કોઈ મોટા સાયકોલોજીકલ પ્રોબ્લેમની વાત નથી કરતો. નાની નાની ઘટનાઓ જેવી કે કાર્યનો બોજ, બસ ચુકી જવું, ટ્રાફિક સિગ્નલ પર બોલાચાલી થવી વગેરે તણાવ ઉત્પ્ન્ન કરવા માટે પૂરતા છે.

ઘણીવખત લાંબા સમય સુધી ચાલતી હાર્ટબર્ન અને પેટની ગડબડની સમસ્યા, તણાવ અને ચિંતા પેદા કરે છે અને જો એવું થાય તો તે એક ડરામણા વિષચક્રમાં પરિણમે છે. જ્યાં ચિંતા અને હાર્ટબર્ન એકબીજાને તીવ્ર બનાવતા રહે છે. આવી પરિસ્થિતિમાં હાર્ટબર્ન અને ચિંતા બન્નેની એકસાથે આક્રમક સારવાર જરૂરી છે.

ઉપર જણાવેલ દરેક પરિસ્થિતિમાં દિવસમાં માત્ર 10 મિનિટ ધ્યાન  કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. આપે આપના મનને શાંત રાખતા શીખી જવું જોઈએ. જો તમે લાંબા સમય માટે નિયમિત પ્રયત્ન કરો તો તે સરળતાથી શીખી જવાય છે. આ માત્ર પેટની સમસ્યા જ નહીં, શરીરને બીજા પણ ઘણા ફાયદા કરે છે.

તંગ કપડાં પહેરવાનું ટાળો

પેટ કે કમરની આજુબાજુ તંગ રીતે પહેરેલા કપડાં તમારા જઠર અને Lower Esophgeal Sphincter(LES) વાલ્વ પર દબાણ વધારે છે. આ કારણે ખાસ કરીને જમ્યા પછી,વાંકા વળીએ ત્યારે કે સૂતા હોઈએ ત્યારે ખોરાક જઠરમાંથી અન્નળીમાં સરળતાથી ધકેલાય છે. આથી  GERD થી પીડાતી વ્યક્તિઓએ દબાણ થાય તેવા કપડાં કે બેલ્ટ પહેરવાનું ટાળવું જોઈએ.

તમારા પલંગના માથા તરફનો ભાગ ઊંચો રાખો


જો કાયમ માટે રાત્રે સૂતી વખતે હાર્ટબર્ન અનુભવાતું હોય તો ગુરુત્વાકર્ષણનો ઉપયોગ તમારા માટે કરો. તમારા પલંગના માથા બાજુના પાયાની નીચે લાકડું કે સિમેન્ટ બ્લોક મૂકી તેને 6 થી 9 ઈંચ જેટલું ઊંચું કરો. જો કે, વધુ તકલીફવાળાં દર્દીઓ માટે લેપ્રોસ્કોપીક સર્જરી એ જ ઉત્તમ ઉપાય છે. પરંતુ, જ્યાં સુધી તમે સર્જરી ના કરાવો ત્યાં સુધી તે ઘણી રાહત આપશે. જો પલંગ ઊંચો  કરવાનું  શક્ય ન હોય તો ગાદલાં અને પલંગની વચ્ચે  ઠેસણીયુ(wedge) મુકી કમરથી ઉપરના શરીરના ભાગને ઊંચો કરો. આવા ઠેસણીયા દવાની દુકાનોમાં, મેડિકલ સપ્લાયની દુકાનમાં તૈયાર મળતા હોય છે. અથવા ગાદલા બનાવનાર પાસે પોતાની જાતે પણ તૈયાર  કરાવી  શકાય છે. માત્ર વધારાના ઓશિકા મૂકી માથું ઊંચું કરવાથી કોઈ અસર થતી નથી.

GERD/ એસિડ રિફ્લક્સ(હાર્ટબર્ન)ના  દર્દીઓ માટેના આહારના સૂચનો

સમયની નિયમિતતા : દિવસના પાંચ ભોજન

તમે શું જમો છો તેના કરતાં તમે કેવી રીતે જમો છો તે વધુ મહત્વનું

વધારે પ્રમાણમાં લીધેલો ખોરાક જઠરને ધીમે ધીમે ખાલી કરે છે અને  LES વાલ્વ ઉપર દબાણ પણ કરે છે. સૂતા પહેલા કરેલો નાસ્તો સૂઈ જઈએ ત્યારે અન્નનળીમાં ધકેલાય છે. ખાસ કરીને મોડી સાંજે વધુ પ્રમાણમાં ખોરાક લેવાનું ટાળો. થોડો થોડો ખોરાક વધુ વખત લઈને  મોટા પ્રમાણમાં ખોરાક લેવાનું ટાળો. જમવાના તથા સૂવાના સમયમાં નિયમિતતા બનાવો.

જમવાના સમયમાં નિયમિતતા થોડો થોડો વધુ વખત ખોરાક 

તમારે બપોરે મુખ્ય ભોજન અને સાંજે થોડું હળવું ભોજન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાંજનું ભોજન થોડું વહેલું લેવું ઉત્તમ  છે. આથી સુવાના સમય સુધીમાં તેનું પાચન થઈ  જાય. સાંજના જમ્યાના 1 થી 2 કલાક સુધી પથારીમાં જવાનું ટાળો. સવારના નાસ્તા અને બપોરના જમવાની વચ્ચે તથા બપોરના જમવા અને સાંજના જમવાની વચ્ચે સ્નેક્સ લઈ તમે ભોજનની સંખ્યા વધારી શકો છો. આવું કરવાથી બપોરના ભોજન કે રાત્રીના ભોજન સમયે તમે અતિશય ભૂખ્યા નહીં હોવ કે જમવા પર તૂટી પડો. થોડા થોડા પ્રમાણમાં ખોરાક તથા ઉભી મુદ્રા રીફ્લક્સને ઓછું કરવામાં મદદ કરે છે.

હળવા અને પ્રસન્નમનથી  જમો 

દરરોજ  જમતી વખતે વાતાવરણ તણાવમુક્ત હળવું હોવું જોઈએ. જમતાં દરમ્યાન અને જમ્યાના  થોડા સમય સુધી, જમવાનું લેવા માટે રસોડામાં દોડાદોડી કરવી કે અન્ય કાર્યો કરવા જેવા કે બાળકોને સૂચનો કરવા જેવી પ્રવૃત્તિ થોડા સમય માટે સ્થગિત કરી દેવી.પ્રફુલ્લિત મનથી જમવું. નાના નાના કોળિયા લેવા, સ્વાદનો આનંદ લેવો, વાનગી બનાવામાં વપરાયેલ ખાદ્યસામગ્રીનો અંદાજ લગાવવો. ધીરે ધીરે જમો, ચાવી ચાવી ને જમો અને સમજવાનો પ્રયત્ન કરો કે ક્યારથી તમારું પેટ ભરાઈ ગયું લાગે છે. પેટ ભરાઈ જાય તેનાથી થોડું ઓછું જમો. આ ખુબ સામાન્ય લાગતી આદતો તમારા પેટ અને આહારને લગતી અડધા ઉપરની સમસ્યાઓનું નિવારણ લાવે છે.

ખોરાક જે ટાળવો જોઈએ

કેટલાક ખાદ્યપદાર્થ અને પીણાંઓ જઠરમાં વધુ સમય રહે છે અને તેમાં એસિડનો સ્ત્રાવ વધારે છે અને આ રીતે એસિડ રિફ્લક્સની શક્યતા વધારે છે. હાર્ટબર્નના લક્ષણો કરતા ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. આ માટે દર્દીએ પોતે જ કાળજીપૂર્વક થોડા અઠવાડિયા સુધી અવલોકન કરવું જોઈએ અને એક ડાયરીમાં તેને નોંધવું જોઈએ અને  અંતે તારણ કાઢવું જોઈએ કે કયો ખોરાક તમારા શરીરને માફક આવતો નથી અને તે પ્રમાણે તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ.

GERD કરતાં મુખ્ય ખોરાક કે જે ટાળવા જોઈએ
  • ચા
  • કોફી
  • કોલ્ડ-ડ્રિંક્સ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ
  • ખાંડ
  • મેંદા
  • કેટલાંક શાક જેવાં કે ડુંગળી, લસણ, ટમેટાં
  • મલાઈ કાઢ્યા વગરનું દૂધ અને તેવા દૂધની બનાવટ,એટલે કે તમારે મલાઈ વગરનું દૂધ,દહીં અને પનીર ખાવું જોઈએ
  • ખાટાં ફળો જેમકે ઓરેન્જ, પાઈનેપલ, લીંબુ

ખાટાં ફળો વિષે એક વાત સ્પષ્ટ કરીશ કે આવાં ફળો એસિડ રિફ્લકસનું કારણ નથી. આ ફળોમાં citric acid હોવાથી એસિડ રિફ્લકસના દર્દીઓને આવાં ફળો ખાવાથી બળતરા થાય છે. જો એસિડ રિફ્લક્સ, દવાઓ કે સર્જરીથી નિયઁત્રણમાં હોય, તો તમે આવાં બધાં જ ફળો યોગ્ય માત્રામાં ખાઈ શકો.

આમપણ, આ ફળો સ્વસ્થ- પોષણક્ષમ આહારનો મહત્વનો ભાગ છે અને સારા સ્વાસ્થ્ય માટે હમેંશા યોગ્ય માત્રામાં તે ખાવા જોઈએ. સારવાર પછી પણ જો આવાં ફ્રૂટ્સથી જો તકલીફ થતી હોય તો તમારે  ડોક્ટરને મળીને તેમના માર્ગદર્શન હેઠળ સારવારમાં ફેરફાર કરવાની જરૂર છે.

GERD કરતો ખોરાક

દરેક વ્યક્તિને એક નિશ્ચિત ખોરાક GERD ની સમસ્યા કરતો હોય  છે. સામાન્ય રીતે ચરબીયુક્ત કે તળેલો ખોરાક, ટોમેટો સૉસ, આલ્કોહોલ, ચોકલેટ, ફુદીનો, લસણ, ડુંગળી અને કોફી જેવા પદાર્થો  હાર્ટબર્નની તીવ્રતાવધારે છે. આવા પ્રકારના હાર્ટબર્ન કરતાં ખોરાક તમારે ટાળવા જોઈએ. સિટ્રસ ફ્રૂટ્સ (આમળા, લીંબુ, સંતરા,મોસંબી વગેરે)એ સામાન્ય રીતે આરોગ્યપ્રદ આહારનો એક ભાગ છે. આથી જો તમને એના લઈને હાર્ટબર્ન થતું  હોય તો તમારે વધુ દવાની જરૂર હોય છે. જો નિયમિત દવાની સાથે પણ આ પરિસ્થિતિ હોય તો  GERD/એસિડ રિફ્લક્સ ની સર્જરી એ તમારા માટે સાચો વિકલ્પ છે.

આરોગ્યપ્રદ આહાર

એવો ખોરાક કે જેનાથી GERD થતું નથી

GERD કરતાં ખોરાક ટાળવાની સાથે સાથે તમારે આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ. આરોગ્યપ્રદ આહાર લેવાના ભાગરૂપે તમારે તળેલાં ચરબીયુક્ત અને મસાલેદાર ખોરાક ટાળવા જોઈએ. ખોરાકનું પ્રમાણ અને કેટલી વખત ખોરાક લો છો તે બન્ને ઘટાડવું જોઈએ. આ પ્રકારના બિનઆરોગ્યપ્રદ ખોરાક વગરના ભોજનનો પણ આનંદ લેવાની આદત તમારે બનાવવી જોઈએ. સ્વાસ્થ્યપ્રદ આહાર જેવા કે શાકભાજી, ફળો, આખું ધાન્ય, મિલેટ(બાજરી, રાગી, જુવાર), નટ્સ, માછલી, કાર્બોનેટેડ ન હોય તેવા પીણાં વગેરેનો ઉપયોગ વધારવો જોઈએ.

આમ જુઓ તો ઉપર જણાવેલ આહાર અને જીવનશૈલીની વાત માત્ર હાર્ટબર્નના દર્દીઓ માટે જ નથી, એ દરેક વ્યક્તિ માટે પણ છે. એ એક સામાન્ય આરોગ્યપ્રદ જીવનશૈલી છે. એ માત્ર GERD ની સમસ્યાને જ દૂર રાખશે એવું નથી પરંતુ બીજા ઘણા જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો જેવા કે મેદસ્વિતા, ડાયાબિટીસ, હ્રદયરોગ, લીવર અને કિડનીની સમસ્યાઓને પણ દૂર રાખે છે.

GERD/એસિડ રિફ્લક્સ/હાર્ટબર્ન માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પરનો અમારો વિડિયો જુઓ

આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો