+91-8156078064
+91-8469327630
SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

હર્નિયા સર્જરી પછીની પ્રવૃત્તિ તથા કસરત

હર્નિયા સામાન્ય રીતે યુવાનોને અસર કરતી સમસ્યા છે. આથી જ હર્નિયા સર્જરી કરાવતા ઘણાં દર્દીઓને હર્નિયા સર્જરી પછીની પ્રવૃત્તિ અને તેમની કાર્યક્ષમતા વિષે આશંકા કે ડર હોય છે. સર્જરી પછી કેટલા સમયમાં સામાન્ય જીવન ફરીથી શરૂ કરી શકાય? સર્જરી પછી તેઓ કસરત કરી શકે કે નહીં? સર્જરી પછી કેવી પ્રવૃત્તિ પર પાબન્ધી હોય છે?

હર્નિયા સર્જરી પછી મારે કેટલા સમય માટે આરામ કરવો પડશે

હર્નિયા સર્જરી પછી સામાન્ય પ્રવૃત્તિ કેટલા સમયના આરામ પછી શરૂ કરી શકાય તે હર્નિયાના પ્રકાર, સર્જરીની પધ્ધતિ  તથા હલનચલનને અસર કરતી અન્ય સમસ્યા પર આધાર રાખે છે. તે તમારી આરામની વ્યાખ્યા પર પણ આધાર રાખે છે.

Few hours after Laparoscopic Inguinal hernia surgery
લેપ્રોસ્કોપીક ઇન્ગ્યુનલ હર્નિયા સર્જરીના થોડાંક જ કલાકો પછી ચાલતાં દર્દી

સામાન્યરીતે મોટા ભાગનાં દર્દીઓ સર્જરીના થોડાંજ  કલાકોમાં પથારીમાંથી ઊભાં થઈ આસપાસ ફરી શકે છે. ખાસ કરીને ઇન્ગ્યુનલ ,અમ્બિલિકલ હર્નિયાની લેપ્રોસ્કોપીક સર્જરી તથા જટિલ ન હોય તેવી ચીરો મૂકીને કરેલી હર્નિયાની સર્જરીમાં. તમે ધીરેધીરે તમારું હલનચલન વધારી  શકો છો. અને  એકાદ અઠવાડિયામાં જ અનુકૂળ લાગતા રોજિંદા ઘરકામ કે ઓફિસના કામ પર જઈ શકો છો.  સર્જરી પછી સંપૂર્ણ આરામની બિલકુલ જરૂર નથી. હકીકતમાં તો જો સર્જરી પછી તમે તરત હલનચલન શરૂ કરો તો રિકવરી વધુ સારી અને  ઝડપી હોય છે.

સર્જરીના દિવસે પણ ચાલવા, પગથિયાં ચઢવા જેવી પ્રવૃત્તિ પર કોઈ પાબંધી  હોતી નથી. તમે અનુકૂળતા પ્રમાણે જેટલું ચાલવું હોય તેટલું ,જેટલા સમય માટે ચાલવું હોય તેટલું ચાલી શકો છો. અનુકૂળ ન લાગે તો બળજબરીથી ચાલવાની જરૂર નથી. પરંતુ સર્જરીની જગ્યાએ થોડો દુખાવો હોવા છતાં ચાલવા કે દાદર ચઢવાથી કોઈ તકલીફ ઉભી થતી નથી.

હર્નિયા સર્જરી પછી કેવી પ્રવૃત્તિથી શરૂઆત કરી શકાય?

સર્જરીના થોડાક જ દિવસોમાં વધુ થાક ન લાગે તેવી રોજબરોજની પ્રવૃતિઓ શરૂ કરવી જોઈએ. સ્ત્રીઓ માટે વજન ઉંચકવું ન પડે તેવી ઘરકામની પ્રવૃતિઓ થોડા દિવસોમાંજ કરી શકાય છે. તેજ રીતે રૂટિન ઓફિસનું કામ થોડાજ દિવસોમાં શરૂ કરી શકાય છે. 4-5 કિલોગ્રામ કરતાં વધુ વજન ઉંચકવા,વારંવાર આગળ ઝુકવા કે જમીન પર બેસવા જેવી પ્રવૃતિઓ શરૂઆતના  2-3 મહિના સુધી ટાળવી. જેઓને ઇન્સિઝનલ હર્નિયા, મોટા અમ્બિલિકલ હર્નિયા કે મોટા ઇન્ગ્યુનલ હર્નિયા સર્જરી, ભલે તે લેપ્રોસ્કોપીક અથવા ઓપન રીતે કરવામાં આવી હોય, તેઓ માટે આ સમયગાળો લાંબો હોય છે. નાના ઇન્ગ્યુનલ હર્નિયા કે નાના અમ્બિલિકલ હર્નીયા સર્જરીના દર્દીઓ એમાં થોડી છૂટછાટ લઈ શકે છે. સામાન્ય રીતે મોટાભાગના હર્નિયા સર્જરી કરેલા દર્દીઓ થોડા દિવસોમાં તેમની રૂટિન દૈનિક પ્રવૃતિઓ શરૂ કરી દેતા હોય છે. તેમ છતાં કઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય તે વિષે તમારા સર્જન સાથે ચર્ચા કરી લેવી.

સર્જરી પછીની અમારા દર્દીઓની પ્રવૃતિઓ વિષે સાંભળવા નીચેના વિડીયો પર ક્લીક કરો.


અમે ક્યારે કામ પર પાછા ફરી શકીએ?

ઓછા શ્રમવાળુ કાર્ય

મોટાભાગના કામ અઠવાડિયાથી દસ દિવસમાં ફરી શરૂ કરી શકાય છે. જેઓને માત્ર ટેબલ પર બેસીને કે ઓફિસનું જ કામ હોય અને કામ કરવા જવા બહુ ટ્રાવેલ કરવાનું ના હોય તેઓ થોડા જ દિવસોમાં કામ પર પાછા જઈ શકે છે.

મધ્યમ શ્રમવાળુ કાર્ય

જેઓને મધ્યમ મહેનતવાળું કામ હોય જેમકે લાંબો સમય ઉભું રહેવાનું હોય, મશીન ચલાવવાનું હોય, કે કામ માટે વધુ ટ્રાવેલ કરવું પડતું હોય તેઓ એક અઠવાડિયા પછી કામ પર પાછા ફરી શકે છે.

 વધુ શ્રમવાળું કાર્ય

જેઓનું કામ વધુ મહેનતવાળું હોય જેમકે ખેતરનું કામ, સુથારી કામ, કે વજન ઉંચકવાનું, તેઓએ વધારે સમય માટે આ પ્રવૃત્તિઓ ટાળવી જરૂરી છે. તેઓ શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી ઓછી મહેનતવાળા કામથી શરૂઆત કરી અને પછી તેમના રૂટિન કામ પર પાછા ફરી શકે છે.

અહીં પણ ઇન્ગ્યુનલ હર્નિયા કે નાના અમ્બિલિકલ હર્નિયાના દર્દીઓ કે જેની સર્જરી લેપ્રોસ્કોપીક પધ્ધતિથી કરવામાં આવી હોય તેઓ મહેનતવાળા કામ પર થોડા વહેલા પાછા ફરવા જેવી છૂટછાટ લઈ શકે છે. આનાથી વિપરીત જે દર્દીઓને ઇન્સિઝનલ હર્નિયા, રીકરન્ટ (ફરીને ફરી થતા) હર્નિયા કે ખુબ મોટા હર્નિયાની સર્જરી કરાવેલ હોય તેમણે વધુ મહેનતવાળા કામ શરૂ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.

Related Posts

હું ક્યારે કાર કે બાઈક ચલાવી શકું? હું રિક્ષામાં મુસાફરી કરી શકું?

કાર ચલાવવી તે કોઈ મોટી સમસ્યા નથી અને તે સર્જરીના થોડાંજ દિવસોમાં આપની અનુકુળતા મુજબ ચલાવી શકાય. આમછતાં, તમારે નાનામોટા અકસ્માત કે આંચકા ટાળીને સલામત ડ્રાંઈવિંગ કરવું જોઈએ. બીજું એ પણ કહેવાનું કે જો તમે એકદમ રાહત અનુભવો ત્યારેજ તમારે  ડ્રાંઈવિંગ કરવું જોઈએ અને તમારા દુઃખાવા કે બિનઆરામદાયક પરિસ્થિતિને લીધે એક્સિડન્ટ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અહીં પણ વધુ જટિલ સર્જરીના દર્દીઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે. તેઓએ વધુ લાંબી મુસાફરી પણ ટાળવી જોઈએ.

લેપ્રોસ્કોપીક ઇન્ગ્યુનલ હર્નિયા સર્જરી કરાવી હોય તેઓ જો દુઃખાવો બિલકુલ ન હોય તો એકાદ અઠવાડિયામાં જ ટુવહીલર ચલાવી શકે છે. અહીં પણ એક્સિડન્ટ તથા આંચકા માટે ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે. બીજી દરેક પ્રકારની સર્જરીમાં દર્દીએ એક મહિના સુધી મોટરસાયકલ ચલાવવાનું ટાળવું જોઈએ. આમછતાં, કોઈની પાછળ સાવચેતી સાથે મોટરબાઈક પર મુસાફરી કરી શકાય. રિક્ષામાં એક્સિડન્ટ કે આંચકા ટાળીને સાવચેતીપૂર્વક મુસાફરી કરી શકાય. ટ્રેઈન કે બસમાં કે કારમાં થોડાં દિવસોમાં સલામતીપૂર્વક મુસાફરી કરી શકાય. તેજ રીતે હવાઈ મુસાફરી પણ કરી શકાય .

અમે ક્યારથી કસરત શરૂ કરી શકીએ?

જેઓએ ઇન્ગ્યુનલ હર્નિયા અને અમ્બિલિકલ હર્નિયાની લેપ્રોસ્કોપીક સર્જરી કરાવેલ હોય તેમના માટે

તમને આરામ લાગતા જ ચાલવું, ધીરેથી દોડવું,સાયકલ ચલાવવી તથા તરવા જેવી કસરત ફરી શરૂ કરી શકાય. અમારા ઘણા દર્દીઓએ તેવી પ્રવૃતિઓ થોડાજ દિવસોમાં શરૂ કરેલ છે. ઇન્ગ્યુનલ હર્નિયા સર્જરી પછી થોડી વધારે થકવે તેવી કસરત જેવી કે યોગા, સ્ટ્રેચીસ, સૂર્ય નમસ્કાર તથા કેટલીક રમતો એકાદ મહિનામાં શરૂ કરી શકાય. આજ પ્રવૃતિઓ અમ્બિલિકલ હર્નિયા પછી 2-3 મહિના પછી શરૂ કરી શકાય. રૂઝ આવવાની પ્રકિયા ચાલતી હોય તે સમય દરમ્યાન પેટના સ્નાયુઓ પરનું ખેંચાણ ટાળવા માટે આપણે આવું કરીએ છીએ.

ઇન્ગ્યુનલ હર્નિયાની સર્જરી પછીની તેમની સ્પોર્ટ્સ પ્રવૃત્તિ વિષે અમારા આ દર્દીને સાંભળો :

જેઓએ ઇન્સિઝનલ હર્નિયા કે રીકરન્ટ હર્નિયાની સર્જરી કરાવી હોય તેમના માટે

સર્જરીના થોડાક જ દિવસોમાં તમારે જેટલું ચાલવું હોય તેટલું ચાલી શકાય છે. દોડવું, સાયકલ ચલાવવી અને તરવા જેવી પ્રવૃતિઓ થોડા અઠવાડિયા સુધી ટાળવી જોઈએ. હર્નિયાની સાઇઝ, સર્જરીની પદ્ધતિ, આપનું વજન અને રાહતની પરિસ્થિતિ, આ દરેક બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રકારના દર્દીઓ માટે કસરતને લગતી એક સરખી સલાહ સૂચવી શકાય નહીં. આથી જ તમારે તમારા સર્જન સાથે સર્જરી પછીના ફોલો -અપ  દરમ્યાન ચર્ચા કરી લેવી  જોઈએ. આ પ્રકારના દર્દીઓને ફરીથી હર્નિયા થવાની શક્યતા વધુ હોવાથી કસરત કરવા માટે વધુ સાવચેત રહેવાની સલાહ છે.

અમે હર્નિયા સર્જરી પછી ક્યારેય વેઇટલિફ્ટિંગ અને થકવી નાખે તેવી જિમની કસરતો કરી શકીશું ?

હા, મોટાભાગના દર્દીઓ હર્નિયાના  સર્જરીના થોડા મહિનાઓ પછી વધુ કસરત અને વેઇટલિફ્ટિંગ કરી શકે છે. લેપ્રોસ્કોપીક ઇન્ગ્યુનલ હર્નિયા સર્જરીના આશરે  2-3 મહિના પછી, જીમની કસરતો અને વેઇટલિફ્ટિંગ શરૂ કરી શકાય છે. ઇન્સિઝનલ હર્નિયા અને મોટા અમ્બિલિકલ હર્નિયા માટે આશરે 5-6 મહિના આવી પ્રવૃત્તિ ટાળવી તે સલાહ ભર્યું છે. સામાન્યરીતે, જે લોકોને આ પ્રકારના જટિલ ઇન્સિઝનલ હર્નિયા હોય તેઓ સર્જરી પહેલા આ પ્રકારની કસરત કરતા હોતા નથી. અને આથી ભારે વેઇટલિફ્ટિંગ બાબતે તેમને ખાસ ચિંતા હોતી નથી. પરંતુ, આ પ્રકારની પ્રવૃતિઓ માટે તમારા સર્જન સાથે ચર્ચા કરી લેવી હિતાવહ છે.

અમે હર્નિયા સર્જરી પછી ક્યારે સેક્સુઅલ પ્રવૃતિ ફરી શરૂ કરી શકીએ?

સેક્સુઅલ પ્રવૃતિ, તમે જયારે તે આરામથી કરી શકો ત્યારે શરૂ કરી શકાય. લેપ્રોસ્કોપીક ઇન્ગ્યુનલ હર્નિયા સર્જરીના થોડા દિવસોમાં તે વહેલામાં વહેલું શરૂ કરી શકાય છે. તે નાના અમ્બિલિકલ હર્નિયાની લેપ્રોસ્કોપીક સર્જરી માટે પણ સાચું છે. ઘણા બધાં અમારા યુવાન પુરુષ દર્દીઓએ ઇન્ગ્યુનલ અને અમ્બિલિકલ હર્નિયાની લેપ્રોસ્કોપીક સર્જરીના થોડા દિવસો પછી દુઃખાવારહિત સેક્સુઅલ પ્રવુતિ વિષે અમને જણાવેલ છે. મોટા હર્નિયા, ઇન્સિઝનલ હર્નિયા અને રીકરન્ટ હર્નિયા માટે  તે થોડા વધુ અઠવાડિયા પછી ફરી શરૂ કરી શકાય છે. સામાન્યરીતે, જો તમે આરામદાયક રીતે તે કરી શકો તો તેમાં કોઈ સમસ્યા નથી. તમે તેમાં ચોક્કસપણે કેટલાક ફેરફાર એવા કરી શકો કે જેથી પેટના સ્નાયુઓ પરનું ખેંચાણ ઘટાડી શકાય. તે તમને સેક્સુઅલ પ્રવૃત્તિ વહેલી શરૂ કરવામાં મદદરૂપ થાય છે.

ખુબ મોટા અને જટિલ હર્નિયા ધરાવતા દર્દીઓ માટે

અમુક જ હર્નીયાના દર્દીઓ કે જેમને ખુબ મોટા અને જટિલ હર્નિયા હોય તેમના માટે પરિસ્થિતિ થોડી જુદી હોય શકે છે. આવા દર્દીઓમાં સર્જરી ઘણાં કલાકો લાંબી ચાલતી હોય છે અને જટિલ પણ હોય છે. આવા દર્દીઓને સર્જરી પછી  દુઃખાવો થોડો વધારે હોય છે અને સર્જરી પછી સંપૂર્ણપણે સ્વસ્થ થતાં વધુ સમય લાગી શકે છે. ખુબ મોટા હર્નીયામાં સર્જરી પછી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.આવું ઘણા બધા કારણસર થઈ શકે છે. After a complex hernia surgery

અતિ જટિલ ઇન્સિઝનલ હર્નિયા સર્જરીના 10 કલાક પછી ચાલતાં દર્દી 

પહેલું તો, આવા કેસમાં આંતરડાનો ઘણો ભાગ અને પેટની ચરબી બહાર હર્નિયામાં હોય છે. જયારે એને દબાવીને પેટની અંદર મુકવામાં આવે અને પેટની દીવાલને જાળી તથા ટાંકાથી રિપેર કરવામાં આવે ત્યારે તે પેટની અંદર દબાણ વધારે છે. તેનાથી પછી ડાયાફ્રામના સ્નાયુને છાતી તરફ દબાણ થાય છે અને તેથી ફેફસાંને હવાથી ભરવા દર્દીએ વધુ શ્રમ કરવો પડે છે.

બીજું, સર્જરીનો દુઃખાવો છાતીના સ્નાયુના હલનચલનને અસર કરે છે અને આથી જ ઊંડા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દુખાવા પર કન્ટ્રોલ કરીને આ સમસ્યા હળવી કરી શકાય છે.

ત્રીજું, દર્દીની સામાન્ય સ્થિતિ દર્દીની સર્જરી પછીના હલનચલનને અસર કરે છે અને શ્વાસ લેવામાં પડતી તકલીફમાં પણ ભાગ ભજવે છે. મેદસ્વીતા, પહેલાથી હોય તેવા હ્ર્દય કે ફેફસાને લગતા રોગો અને ધૂર્મપાનની આદત હર્નિયા પછીની શ્વાસ લેવાની સમસ્યામાં વધારો કરે છે. વધારે ઉંમર તથા ઘૂંટણ અને કમરની સમસ્યા પણ સર્જરી પછીના હલનચલનને અસર કરે છે.

પરંતુ સર્જરી પહેલા પૂરતી તપાસ, તૈયારી, અને આયોજનથી રિકવરીને સરળ બનાવી શકાય છે. આવા કેસમાં અમે દર્દીના હ્ર્દયની તથા શ્વાસ સમ્બન્ધિત સમસ્યાઓની સંપૂર્ણ તપાસ કરીએ છીએ. અમે દર્દીઓને ધૂર્મપાન છોડવાની તથા સ્પાઇરોમેટ્રીથી શ્વસનની કસરત કરવાની સલાહ પણ આપીએ છીએ. અંતે, ચોક્ક્સાઈપૂર્વકની સર્જરી અને દવાઓથી દુઃખાવા પરનો પૂરતો કન્ટ્રોલ, સર્જરી પછી જલ્દીથી પથારીમાંથી ઉભા થવામાં મદદ કરે છે.

અમારું ધ્યેય અને દર્દીની અપેક્ષાઓ

અમારા દરેક હર્નીયાના દર્દી માટે, અમારું ધ્યેય હોય છે કે જેમ બને તેમ જલ્દીથી તેઓ દુઃખાવા વગર તેમની નોર્મલ રૂટિન પ્રવૃત્તિ પર પાછા ફરે. અને જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી આ જ દર્દીઓની પણ અપેક્ષા હોય છે. ઇન્ગ્યુનલ અને અમ્બિલિકલ હર્નિયામાં આ અપેક્ષા લેપ્રોસ્કોપિક સર્જરીથી ખુબ સરળતાથી સંતોષી શકાય છે. ઘણા બધા અમારા દર્દીઓને તે જ દિવસે રજા આપવામાં આવી  છે અને લેપ્રોસ્કોપીક સર્જરીના થોડા જ દિવસોમાં તેઓ તેમના કામ પર પાછા  ફરેલ છે. મોટા ભાગના આ દર્દીઓને તેમના રૂટિન કામમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કે દુઃખાવાની ફરિયાદ હોતી નથી. જેઓ કોઈ રમત કે જીમની કસરત કરતા હોય, તેઓ તે કોઈપણ તકલીફ વગર કરી શકે છે. અમે લેપ્રોસ્કોપીક હર્નિયા સર્જરીના ઉત્કૃષ્ટ પરિણામો આપવા માટે સુધારા લાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ. એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરી  અમદાવાદમાં આવેલી છે. અમે હર્નિયા સર્જરી પર અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. દરેક પ્રકારના જટિલ કે ફરીફરી થતાં હર્નિયા પણ અહીં લેપ્રોસ્કોપીક સર્જરીથી કરાય છે. અમારા દર્દીઓમાં ઇન્ગ્યુનલ અને અમ્બિલિકલ હર્નીયાની લેપ્રોસ્કોપીક સર્જરીના ઉત્તમ પરિણામોનું અમને ગર્વ છે. એવા ઘણા બધા કારણો છે કે જેથી અમારા દર્દી ઓ એમ માને છે કે અમારું સેન્ટર લેપ્રોસ્કોપીક હર્નિયા સર્જરી માટેનું બેસ્ટ સેન્ટર છે.

અમારા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ એક દર્દીનો અનુભવ સાંભળવા નીચેનો વિડીયો જુઓ.

આપ અમારા બીજા લેખ પણ વાંચી શકો છો